રવિવારે ચૅમ્પિયન્સ ટ્રૉફીના રસપ્રદ મુકાબલામાં ભારતીય ટીમ છ વિકેટે જીત હાંસલ કરી છે.
આમ, ડિફેન્ડિંગ ચૅમ્પિયન પાકિસ્તાન અને ગુરુવારના મુકાબલામાં બાંગ્લાદેશ સામે જીત હાંસલ કરીને ભારતીય ટીમ હવે ટુર્નામેન્ટમાં મજબૂત સ્થિતિમાં છે.
ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઊતરેલી પાકિસ્તાની ટીમ, પ્રથમ બેટિંગ કરવાની તકનો પૂરેપૂરો લાભ ઉઠાવી શકી નહોતી અને ભારતીય બૉલરોની નિયંત્રિત બૉલિંગને કારણે મોટો સ્કોર ઊભો કરી શકી નહોતી.
242 રનના ટાર્ગેટનો પીછો કરવા ઊતરેલી ભારતીય ટીમ માટે જીતના હીરો વિરાટ કોહલી સાબિત થયા. જેમણે 111 બૉલમાં સાત ચોગ્ગાની મદદથી સદી ફટકારી અને છેક સુધી અણનમ રહી ટીમને જીત અપાવી. આ તેમની વન-ડે કૅરિયરમાં 51મી સદી છે. આ જ મૅચમાં કોહલીએ વન-ડે કૅરિયરમાં સૌથી ઝડપી 14 હજાર રન પૂરા કરવાનો રેકૉર્ડ પણ બનાવ્યો હતો.
નોંધનીય છે કે આ હાર સાથે પાકિસ્તાન માટે આ ટુર્નામેન્ટમાં આગળની રાહ પણ મુશ્કેલ બની જશે. અગાઉ ન્યૂઝીલૅન્ડ સામે પ્રથમ મૅચ હાર્યા બાદ પાકિસ્તાની ટીમ માટે આ મૅચ જીતવાનું લગભગ અનિવાર્ય હતું.